યુકે અને ભારતે આજે મંગળવાર તા. 6 મેના રોજ સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર સહમતી સાધવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. આ કરાર થકી યુકેની લેબર સરકાર અર્થતંત્રના વિકાસ, આમ જનતાના જીવનધોરણમાં સુધારો લાવવાના અને લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકવાના મુખ્ય મિશનને પૂર્ણ કરી શકશે. ભારત સાથેના વેપાર કરારથી યુકેને મોટી આર્થિક જીત મળી છે જે કામ કરતા લોકો અને બ્રિટિશ બિઝનેસીસ માટે ફાયદાકારક રહેશે. આ સોદાથી લાંબા ગાળે દ્વિપક્ષીય વેપારમાં £25.5 બિલિયનનો વધારો થશે અને યુકેની GDPમાં £4.8 બિલિયનનો તથા લોકોના વેતનમાં £2.2 બિલિયનનો વધારો થવાની અપેક્ષા છે.
આ કરારથી યુકેના વ્હિસ્કી, કોસ્મેટિક્સ અને મેડિકલ સાધન સરંજામ જેવા મુખ્ય ઉત્પાદનો પર ભારતીય ટેરિફમાં ઘટાડો થશે અને યુકેની નિકાસ માટેના 90% ટેરિફ લાઇનમાં ઘટાડો થશે. આ કરારથી યુકેના વિવિધ પ્રદેશો અને રાષ્ટ્રોમાં બિઝનેસીસ માટે વિશાળ તકો ઉભી થશે. જેના કારણે લેબર સરકારની પરિવર્તનની યોજના પર અમલ કરી શકાશે.
આ કરારના કારણે ભારતીય ટેરિફમાં ઘટાડો કરવામાં આવશે અને આગામી એક દાયકામાં 85% પ્રોડક્ટ્સ અને સેવાઓ સંપૂર્ણપણે ટેરિફ-મુક્ત થશે. આ ડીલના દસમા વર્ષ સુધીમાં ભારત તરફથી વ્હિસ્કી અને જિન પરની ટેરિફ 150%થી ઘટાડીને 75% કરવામાં આવશે અને પછી તે ઘટાડીને 40% કરવામાં આવશે, જ્યારે ઓટોમોટિવ ટેરિફ ક્વોટા હેઠળ 100%થી વધુ થઈને 10% થશે.
ઘટાડેલો ટેરિફ ભારતીય બજારોને યુકેના બિઝનેસીસ માટે ખોલી શકશે અને સરવાળે જે તે બિઝનેસીસ અને ભારતીય ગ્રાહકો માટે વેપાર સસ્તો બની શકશે. તેમાં કોસ્મેટિક્સ, એરોસ્પેસ, લેમ્બ (માંસ), મેડિકલ ડિવાઇસ, સામન (ફીશ), ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટનો સમાવેશ થાય છે.
સામે પક્ષે યુકે દ્વારા ભારતીય માલ-સામાન અને સેવાઓ પરની ટેરિફ ઉદાર બનાવતા બ્રિટિશ ગ્રાહકો કપડાં, ફૂટવેર અને ખાદ્ય ઉત્પાદનો સહિત ફ્રોઝન પ્રોન જેવા ઉત્પાદનો સસ્તા ભાવે વધુ પસંદગી સાથે ખરીદી શકશે.
ભારત આગામી ત્રણ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવાની આગાહી થઇ રહી છે ત્યારે યુકેના બિઝનેસીસ આ સોદા ભારતના વિશાળ બજારમાં પ્રવેશ કરતી વખતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામે તરફેણ મેળવી શકશે.
ભારત સાથે ફક્ત બે મહિના પહેલા લેબર સરકારે ફરીથી વાટાઘાટો શરૂ કર્યા પછી યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને ભારતીય કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે ગયા અઠવાડિયે લંડનમાં આ ટ્રેડ ડીલ માટે અંતિમ વાટાઘાટો કરી હતી. ગત ફેબ્રુઆરીથી બંને પક્ષોના વાટાઘાટકારો આ ડીલ પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા.
EU છોડ્યા પછી યુકે દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો અને આર્થિક રીતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર સોદો છે, અને ભારત દ્વારા કરાયેલો અત્યાર સુધીનો શ્રેષ્ઠ સોદો છે.
આ સફળતા અંગે વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “આપણે હવે વેપાર અને અર્થતંત્ર માટે એક નવા યુગમાં છીએ. તેનો અર્થ એ છે કે યુકેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વધુ અને ઝડપથી આગળ વધવું અને કામ કરતા લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકવા. આ સરકારના સ્થિર અને વ્યવહારિક નેતૃત્વ દ્વારા, યુકે બિઝનેસ કરવા માટે એક આકર્ષક સ્થળ બન્યું છે. આજે અમે ભારત સાથે એક સીમાચિહ્નરૂપ કરાર પર સંમત થયા છીએ જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનો એક દેશ છે. આ ડીલ અર્થતંત્રનો વિકાસ કરશે અને બ્રિટિશ લોકો અને બિઝનેસીસ માટે ડિલિવરી કરશે.’’
સર સ્ટાર્મરે કહ્યું હતું કે “આપણા જોડાણોને મજબૂત બનાવવા અને વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર અવરોધો ઘટાડવા એ મજબૂત અને વધુ સુરક્ષિત અર્થતંત્ર પહોંચાડવા માટે અમારી પરિવર્તન યોજનાનો એક ભાગ છે.”
બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે “આ સરકારનું મુખ્ય ધ્યેય અમારી પરિવર્તન યોજનાના ભાગ રૂપે અર્થતંત્રનો વિકાસ કરવાનું છે જેથી અમે લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકી શકીએ. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સાથે નવો વેપાર કરાર કરીને, અમે દર વર્ષે યુકેના અર્થતંત્ર અને વેતન માટે અબજો ડોલર પહોંચાડી રહ્યા છીએ અને દેશના દરેક ખૂણામાં વૃદ્ધિને અનલૉક કરી રહ્યા છીએ. આ કરારથી નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં અદ્યતન ઉત્પાદનથી લઈને સ્કોટલેન્ડમાં વ્હિસ્કી ડિસ્ટિલરી ઉદ્યોગને ફાયદો થશે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં, બિઝનેસીસ અને ગ્રાહકોને સ્થિરતા પ્રદાન કરતો વૈશ્વિક વેપાર માટેનો વ્યવહારિક અભિગમ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.”
ભારતીય વારસો ધરાવતા ઓછામાં ઓછા 1.9 મિલિયન લોકો યુકેને પોતાનું ઘર કહે છે અને આ કરાર કરવાથી આપણા બે લોકશાહી દેશો વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી મજબૂત થશે. આ કરાર દ્વારા યુકેના બિઝનેસીસ અને ગ્રાહકોને વિશાળ ફાયદાઓ થશે.
