અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરુ કરેલા પ્રોગ્રામ હેઠળ દક્ષિણ આફ્રિકાના આશરે 49 શ્વેત નાગરિકોને સૌ પ્રથમ શરણાર્થીનો દરજ્જો અપાયો હતો. શ્વેત આફ્રિકનો રવિવાર, 11મેએ જોહાનિસબર્ગ એરપોર્ટથી ચાર્ટર વિમાનમાં બેસીને અમેરિકા જવા રવાના થયાં હતાં. આશ્વર્યજનક બાબત એ છે કે ટ્રમ્પે આ શ્વેત આફ્રિકનને વંશિય ભેદભાવનો શિકાર બન્યા હોવાને આધારે શરણાર્થીનો દરજ્જો આપ્યો છે.
એરપોર્ટ પર સામાન ભરેલી ટ્રોલીઓ સાથે શ્વેત નાગરિકોની કતાર લાગી હતી અને તેઓ પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવામાં આવે તેની રાહ જોઇ રહ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાના પરિવહન વિભાગના પ્રવક્તા કોલેન મ્સિબીએ રોઇટર્સને જણાવ્યું હતું કે 49 મુસાફરોને મંજૂરી અપાઈ હતી. ટ્રમ્પ દ્વારા શ્વેત દક્ષિણ આફ્રિકનોને આશ્રય આપવાની ઓફર બંને દેશોમાં વિભાજનકારી સાબિત થઈ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વના બાકીના ભાગોમાંથી મોટાભાગે બિન-શ્વેત શરણાર્થીઓના પ્રવેશને બ્લોક કરી દીધો છે. ટ્રમ્પની આ નીતિ દક્ષિણ આફ્રિકામાં શ્વેત લોકોના શાસનના અંત પછી સ્થાનિક રાજકારણમાં વંશિય તંગદિલીનું કારણ બની શકે છે.
