અમેરિકા અને ચીન એકબીજા પરની રેસિપ્રોકલ ટેરિફમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવા સોમવાર, 12મેએ સંમત થયાં હતાં. બંને વચ્ચેની આ સમજૂતી સંકેત આપે છે કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો મંદીના ભય અને નાણાકીય બજારોમાં ખળભળાટ મચાવનારા નુકસાનકારક વેપાર યુદ્ધનો અંત લાવવા માગે છે.
બંને દેશોએ સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા આ વર્ષે એપ્રિલમાં ચીની આયાત પર લાદવામાં આવેલી વધારાની ટેરિફ ૧૪૫%થી ઘટાડી ૩૦% કરશે, જયારે ચીન અમેરિકાની પ્રોડક્ટ્સ પરની ડ્યુટી ૧૨૫%થી ઘટાડીને ૧૦% કરશે. નવા પગલાં ૯૦ દિવસ માટે અમલમાં રહેશે.
આ સમાચાર બાદ વિશ્વના ચલણો સામે ડોલરમાં ઉછાળો આવ્યો હતો અને વિશ્વભરના શેરબજારોમાં તેજી આવી હતી.
જીનીવામાં ચીની અધિકારીઓ સાથેની વાતચીત બાદ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે જણાવ્યું હતું કે “બંને દેશોએ તેમના રાષ્ટ્રીય હિતનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કર્યું છે. આપણને બંનેને સંતુલિત વેપારમાં રસ છે, યુએસ તે તરફ આગળ વધતું રહેશે.”
ટ્રમ્પની સત્તામાં વાપસી અને ચીન સહિત વિશ્વભરના દેશો પર ટેરિફ આક્રમણ પછી જીનીવામાં બંને દેશોના આર્થિક અધિકારીઓ વચ્ચે પ્રથમ રૂબરુ મંત્રણા યોજાઈ હતી. બેસેન્ટે જણાવ્યું હતું કે આ સોદામાં ક્ષેત્રવાર વિશિષ્ટ ટેરિફનો સમાવેશ થતો નથી અને યુ.એસ. દવાઓ, સેમિકન્ડક્ટર અને સ્ટીલ સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક પુનઃસંતુલન ચાલુ રાખશે જ્યાં તેણે સપ્લાય ચેઇનની નબળાઈઓ ઓળખી કાઢી છે.
ટેરિફ વિવાદને કારણે બંને દેશો વચ્ચેનો આશરે 600 બિલિયન ડોલરનો વેપાર બ્લોક થયા હતા અને સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ચીન 90 દિવસના ટેરિફ સસ્પેન્શનને લાગુ કરવા સંમત થયા છે, સાથે સાથે હાલના ટેરિફ દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.ચીનના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષો 14 મે સુધીમાં પગલાંનો અમલ કરવા સંમત થયાં હતા.
