અમેરિકામાં કથિત રીતે ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં મહેસાણાનો એક પરિવાર સાન ડિએગોના દરિયાકાંઠે હોડી પલટી ખાઈ જતાં ડુબ્યો હતો. આ દુર્ઘટનામાં પરિવારના એક બાળકનું મોત થયું હતું જ્યારે બીજું બાળક લાપતા બન્યું હતું. લાપતા બાળકનું પણ મોત થયું હોવાની આશંકા છે.
5 મેના રોજ અમેરિકાના સાન ડિએગો શહેર નજીક દરિયાકાંઠે પેસિફિક મહાસાગરમાં પલટી ગયેલી બોટમાં બ્રિજેશ પટેલ (40), તેમની પત્ની જાગૃતિ (39), પુત્ર પ્રિન્સ (14) અને પુત્રી માહી (10) સહિત 16 માઇગ્રન્ટ સવાર હતાં.
યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓમાં 14 વર્ષનો ભારતીય છોકરો શામેલ છે જ્યારે બે અન્ય મેક્સિકોના હતાં. છોકરાની 10 વર્ષની બહેન હજુ પણ દરિયામાં ગુમ છે અને તેને મૃત માનવામાં આવી રહી છે.
બ્રિજેશ પટેલના સંબંધી રવિ પટેલે ગુરુવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ૧૪ વર્ષનો ભારતીય છોકરો પ્રિન્સ હતો અને ગુમ થયેલી છોકરીનું નામ માહી છે. બ્રિજેશ પટેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના વતની છે. અમને અમેરિકામાં અમારા સંબંધીઓ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે બ્રિજેશ અને તેની પત્ની આ ઘટનામાં ઘાયલ થયા છે અને હાલમાં તેઓ ત્યાંની હોસ્પિટલમાં દાખલ છે. તેમનો દીકરો ડૂબી ગયો હતો, જ્યારે માહી હજુ પણ ગુમ છે.
પટેલ પરિવાર મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવા સવાલનો રવિ પટેલે સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ જણાવ્યું હતું કે તેમની પાસે લંડનના વિઝા હંતા અને તેઓ છ મહિના પહેલા ભારત છોડી ગયા હતા.તેઓ માન્ય વિઝા પર લંડન પહોંચ્યા હતા. અમને તેમની આગળની મુસાફરી વિશે કોઈ જાણકારી નથી. મેં અમેરિકામાં ભારતીય દૂતાવાસ પાસેથી મદદ માંગી છે જેથી અમે બ્રિજેશ અને તેની પત્ની સાથે વાત કરી શકીએ, જેઓ ત્યાં હોસ્પિટલમાં છે. તેમણે ભારત સરકારને પણ અપીલ કરી કે તેઓ આ દંપતીને વહેલી તકે સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરે.
